જરીક અમથાં માનવ
Jarik Amatha Manav
બેજન દેસાઈ
Bejan Desai
બેજન દેસાઈ
Bejan Desai
જરીક અમથાં માનવ –
અમને સપનાંની મ્હોલાત!
જીવ્યા કરવું દિવસ ભરી ને મરવું આખી રાત!
જરીક અમથા માનવ અમને શી મોટી મ્હોલાત?
રાત પડે
આંખો મીંચી
ત્યાં કાજળ શી મધરાત!
આંખ ખૂલે–ને–હૈયાં સાથે
કરવા માંડે વાત!
મન રાજાને તાજ તખતની
નહિ રે કશી વિસાત!
તારા, સૂરજ સભર ગગનની એાછી પડે બિછાત
જરીક અમથાં માનવ, કેવી સપનાંની મ્હોલાત!
સ૫નાંનો અલગારી નાતો નહિ દિન કે નહિ રાત
સપને દિવસે કેવું સુખ,
ને સ૫ને કપરી રાત!
જરીક અમથા માનવ જર્જર સપનાંની મ્હોલાત!
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
