janmilun maran - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જન્મીલું મરણ

janmilun maran

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર

પૂનમ કેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રે

કે થીજેલી ભરતી જેવાં શિખરોનો સળવળશે કે શું લય હે રે

થીર માનીને અમે ટોચ પર પ્રભુનાં મંદિર ચણ્યાં હતાં રે

નદીઓના છેડાને તો અડગ પ્હાણના ગણ્યા હતા રે

હવે જોયું ને થાય

થાય કે હેલારે ઊંચકાયેલાં છલક્યાં જાણજો પય હે રે

મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં જો પ્રગટી પડશે તો?

તૂટે કળશ કમાડ ને ગર્ભાગાર છેક આને જડશે તો?

અધ્ધર અટકી રહેલા ધસમસ આકારોનો બદલાશે નિશ્ચય હે રે

પછી ઘૂઘવ્યા પહાડ-સાગર, ડૂબ્યાં કૂપ તળાવ નદી હો

ડૂબ્યો દરિયો ડૂબી ધરતી ડૂબી વીસેવીસ સદી હો

પીતપર્ણ શો ખર્યો ચંદ્ર

રે

પીતપર્ણ શો ખર્યો ચંદ્ર

પીતપર્ણ પર પોઢેલા એ, સાંભળજો, નવજાત શિશુનો

સ્મિતકલરવ અક્ષય હે રે

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 667)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007