janmdine - Geet | RekhtaGujarati

વનની અમરાઈને ભરી

પમરે શીય પ્રસન્ન મંજરી!

પ્રશમંત પ્રલંબ રાત્રિ ને

બજતી વેણુ વરેણ્ય ભર્ગની.

રમતી ભમતી સમીરની

લહરીને મૃદુ સ્પર્શ હર્ષની

અણુએ અણુ લાગણી લહુ;

અનુકંપા શી દિગન્તરાલની!

ઉરનું ઊઘડંત પંકજ

પ્રણમે છે દઈ ગંધની રજ,

વિલસંત હિરણ્ય વર્ણમાં

દલને આસન સંચરે અજ.

સહુને મુજ અંતરે ધરું,

સહુને અંતર હુંય વિસ્તરું.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 27)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ