jani buzine ame alaga chalya - Geet | RekhtaGujarati

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

jani buzine ame alaga chalya

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં
હરીન્દ્ર દવે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,

સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા

ને પછી ઠીક થઈ પૂછ્યું કે 'કેમ છે?'

આટલા અબોલા પછી આવો સવાલ

કહો કેમ કરી ઊતરવું પાનું?

મૂંગાં રહીએ તો તમે કારણ માનો, ને

હોઠ ખોલિયે તો બોલવાનું બ્હાનું;

હું તો બોલીશ, છતાં માનશો તમે કે

હજી દુનિયા મારી હેમખેમ છે!

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ

થઈ ચાલતી દીવાલ થકી ઈંટો,

ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો

કેમ કોરો રહે સ્મરણોનો વીંટો!

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે

હજી આપણી વચાળે જરા પ્રેમ છે!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ