jan jiwoji - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જણ જીવોજી

jan jiwoji

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર

ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવોજી

હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવોજી

તૂટ્યા કડડ સાત સળિયા રે જણ જીવોજી

ખૂટ્યાં નાગર તારાં નળિયાં રે જણ જીવોજી

મારગમાં મોહનજી મળિયા રે જણ જીવોજી

રાધાનાં હાડ સાવ ગળિયાં રે જણ જીવોજી

ઢાળથી ઊથલજી ઢળિયા રે જણ જીવોજી

અધવચ પાથલજી મળિયા રે જણ જીવોજી

ખાવું શેં? પીવું શે? લાળિયા રે જણ જીવોજી

હાલતા ને ચાલતા પાળિયા રે જણ જીવોજી

ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવોજી

ખટમાસ વેંણ સાવ વાળિયાં રે જણ જીવોજી

ભડભડ ચેહમાં બાળિયા રે જણ જીવોજી

અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવોજી

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 320)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004