jal jhili le aag - Geet | RekhtaGujarati

જળ ઝીલી લે આગ

jal jhili le aag

રાધિકા પટેલ રાધિકા પટેલ
જળ ઝીલી લે આગ
રાધિકા પટેલ

જળ ઝીલી લે આગ;

જળમાં જીવન બેઠું'રે, અગ્નિ પીડાનો રાગ.

જળ ઝીલી લે આગ…

અગ્નિના છે ઉંચા શિખર, જળનાં પહોળાં હાથ;

જવર જલદ હો ભલે જ્વાળના જળ ભીડી લે બાથ.

અગ્નિનાં દીધેલાં ડામે પડે ના જળમાં દાગ,

જળ ઝીલી લે આગ…

અગ્નિ છો માઝા મૂકીને જળની ઉપર ઝમે;

ઊંડા-ઊંડા સવાસ લઈને જળ અગ્નિને ખમે.

જળ ભરતું ઉચાળા-કાળાં, અગ્નિ ભાગમભાગ..

જળ ઝીલી લે આગ…

જોર હજો કેવાં ?- અગ્નિને જળની જીભે મૂકો;

જળ જો ખૂટી જાય, તો લગરીક જળ અગ્નિમાં ફૂંકો.

અગ્નિએ પીધેલાં જળનો મળે કદી ના તાગ..

જળ ઝીલી લે આગ..

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ