jal awasyam - Geet | RekhtaGujarati

जल आवास्यम्

jal awasyam

જગદીશ જોશી જગદીશ જોશી
जल आवास्यम्
જગદીશ જોશી

જળમાં જળનાં ડુંગર ડૂક્યા

જળમાં જળનાં આભ.

જળમાં જળનાં જળચર ડૂબ્યાં

જળમાં જળના ગાભ.

જળના નાનકડા બે સાગર

ટાપુ થઈને કંપેઃ

જળની રમણા થળથળ વ્હૈને

જળમાં જઈને જંપે.

જળનો સૂરજ ક્યાં? જ્યાં ખૂંપ્યાં

જળમાં શુભ ને લાભ.

જળની ઝીણી આશા સરકે

જળના તપ્ત કપોલે:

જળનાં લયમાં જળની ઘૂઘરી

ગદ્ગદ રણકે બોલે.

જળમાં ઝળહળ કમળ-વમળ ને

જળમાં જળના દાભ.

(ર૮-૯-૧૯૭પ)

સ્રોત

  • પુસ્તક : વમળનાં વન (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સર્જક : જગદીશ જોશી
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1976