jahal marun ghar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાહલ મારું ઘર

jahal marun ghar

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
જાહલ મારું ઘર
મનોહર ત્રિવેદી

જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ્ય...

અછવાડું-પછવાડુંયે એવું છે

જતાં-આવતાં જેવું નીરખે આખું ગામ અહીં મોં-વડ્ય...

શાખ-પડોશણ ફળિયે આવી કરતી'તી પડપૂછ

કે તારી ભીંતને થયું શું?

: શેષનાગે એનું પડખું લગીર ફેરવ્યું, વળી ઘર હતું

પે'લુંકથી જૂનું, તોય પૂછે કાં તું?

દરબારુંનો ગઢ, હવેલી શેઠની, મોભાદાર મુખીનું ખોરડું

એમ એક દી ઊભું જોશ તુંયે ખોરડું સમોવડ્ય...

સાચ મારામાં હોત તો ઊભી હોત હું રાણક જેમ

ઊંચા બે હાથ કરીને

હુંય તે રાખું વટ્ટ, બે આંસુ પગમાં મૂકી

શીદ મના'વા જાઉં હરિને?

એટલો મને ખ્યાલ છે: બીજે ક્યાંય નહીં પણ આટલામાં

ક્યાંક સુખ તો હશે દુઃખની અડોઅડ્ય...

લોંઠકા મારા જણને ઝીણી ચૂંટકી ભરી, પળમાં

ઊભો કરતાં બોલીશ કે માટી થા

આપણા જો છે ચાર, ઓલ્યાના ભળશે હાથ હજાર

મુંઝાઈ મરતાં બીજાં

થાય ઓહો રહેણાંક પછી હું કૈશઃ એલા, લે અડવું છેને?

અડ્ય, તું-તારે મન ફાવે ત્યાં અડ્ય...

જાહલ મારું ઘર ને પાછી ભીંતમાં પડી તડ્ય...

સ્રોત

  • પુસ્તક : ઘર છે સામે તીર (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : મનોહર ત્રિવેદી
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2016