jadyo jadyo hun jadyo chhevate mane kharekhar jadyo - Geet | RekhtaGujarati

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો

jadyo jadyo hun jadyo chhevate mane kharekhar jadyo

અનિલ ચાવડા અનિલ ચાવડા
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો
અનિલ ચાવડા

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,

ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો

ક્યાં ઓળંગું સીમા?

ધૂળ અને ઢેફાની માફક

પડ્યો હતો માટીમાં;

પીંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું

સવાર જેવું મળવું;

છાતી અંદર રોકાયું ના

રોકાતું કૂંપળવું!

પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ