jaane khaaravo - Geet | RekhtaGujarati

જાણે ખારવો

jaane khaaravo

મધુસૂદન પટેલ મધુસૂદન પટેલ
જાણે ખારવો
મધુસૂદન પટેલ

હોડી ને ખારવાની અંદરની વાત્યું તો હોડી જાણે ને જાણે ખારવો,

હવે ધારી લે, હોય જેવો ધારવો.

તારે મન ઊગેલી શંકાની સોય, અલી મારે કાને તું કેમ નાખે?

કાંઠે આવે ને તોય હોડીને લાડ કરે, જોયું છે રોજ સગી આંખે,

હોડીને બથ્થ ભરીને હરખે કે રોવે તો મારે શું કામ એને વારવો?

ખારવાને તારનાર હોડીના હેતના તરજુમા સીધા ના થાય,

બ્હાર ખાય દરિયાની ખારી થપાટ, માંહ્ય ખારવાના પરસેવે નહાય,

એમનાં ઘૂઘવતાં જીવતરના દરિયામાં મારે ધુબાકો નથી મારવો.

દરિયામાં ઘૂસીને રોટલાની રળનારી, પરથમથી અસલ ખારવણ,

કરવાના નામે મેં કીધો ઉચાટ અને કીધું કીધું તો જરી જાગરણ,

હું તો હજી પરણીને હાલી આવું છું, મારે અખ્ખર શું એકે ઉચ્ચારવો?

સ્રોત

  • પુસ્તક : કુમાર : ઑક્ટોબર, 2025 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : પ્રફુલ્લ રાવલ
  • પ્રકાશક : કુમાર ટ્ર્સ્ટ, અમદાવાદ