ishwarne me radta joyaa - Geet | RekhtaGujarati

ઈશ્વરને મેં રડતા જોયા

ishwarne me radta joyaa

પ્રાગજી જ. ડોસા પ્રાગજી જ. ડોસા
ઈશ્વરને મેં રડતા જોયા
પ્રાગજી જ. ડોસા

ભારતનાં સૌ ભાગ્ય વિધાતા

ખોટા મદમાં ફરતા જોયા

સારાસારનું ભાન ભૂલીને

અંધારે અટવાતાં જોયા

ભર યૌવનમાં ખોઈ યુવાની

ઘડપણમાં પલટાતાં જોયા

ત્યારે પૃથ્વીના પટ પર

ઈશ્વરને મેં રડતા જોયા..

તેજ વિનાના નર ને નારી સુંદરતા પર મરતા

માનવરૂપે મડદાને મેં જોયાં હરતાં-ફરતાં

સિંહસૂનને બકરાં રૂપે બેં બેં કરતા જોયા

ત્યારે પૃથ્વીના પટ પર

ઈશ્વરને મેં રડતા જોયા...

દુનિયામાં રામકૃષ્ણનાં

ના કોઈ વારસદાર

પાંચાલીના પાલવનો

ના કોઈ તારણહાર

દુઃશાસનને, દુર્યોધનને

જ્યારે જ્યારે હસતાં જોયાં

ત્યારે પૃથ્વીના પટ પર

ઈશ્વરને મેં રડતા જોયા.

સ્રોત

  • પુસ્તક : જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો (પૃષ્ઠ ક્રમાંક 427)
  • સંપાદક : જીના શેઠ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
  • વર્ષ : 2025