nagarna mochinu geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નગરના મોચીનું ગીત

nagarna mochinu geet

પ્રતાપસિંહ ડાભી 'હાકલ' પ્રતાપસિંહ ડાભી 'હાકલ'
નગરના મોચીનું ગીત
પ્રતાપસિંહ ડાભી 'હાકલ'

દેરી ને જગા પણ, ફરક ઘણો દેખાતો

ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો

ડમ્પરીયું લઈને કંત્રાટી, કાલ મારતો આંટા

સાહેબ મુનસીપાલીટીનો ૨મતો આટાપાટા

નકકી બે શેતાનોએ, તોડયો અહીંનો નાતો

ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો

વરસોની જે હતી ગરાગી, એને વાગ્યું તાળું

હવે કઈ પોલિશે ચમકે ?જીવતર ભમરાળું

અને કયા સોયે સંધાશે, છેદ છાતીએ થાતો

ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો

દાપાં જેના દેવા બાકી, નામ બધાં ગણગણતો

રળી પેટિયું જે દેતી, પેટીનો ના પત્તો

થડીયા ઉપર છબિ જડી ઈશ્વર ઠોકર ખાતો

ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો

વડવાગોળો, સમડી-સુડા, કાગ હશે કઈ ગલીએ?

વખ લેવાના ફદિયા કયાં છે? સીધો પ્હોંચું નદીએ

નિરધનીયા ધનજીનો તો મારગ ત્યાં ફંટાતો

ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ