indhnan winwa gaiti - Geet | RekhtaGujarati

ઈંધણાં વીણવા ગૈતી

indhnan winwa gaiti

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ઈંધણાં વીણવા ગૈતી
રાજેન્દ્ર શાહ

ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર,

ઈંધણાં વીણવા ગઈ 'તી રે લોલ;

વેળા બપ્પોરની થૈતી મોરી સૈયર,

વેળા બપ્પોરની થઈ ’તી રે લોલ.

ચઈતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય

કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,

વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે

દખ્ખણને વાયરે ડોલે રે લોલ.

જેની તે વાટ જોઈ રહૈતી મોરી સૈયર,

જેની તે વાટ જોઈ રહી 'તી રે લોલ,

તેની સંગાથ વેળ વ્હૈતી મોરી સૈયર,

તેની સંગાથ વેળ વહી 'તી રે લોલ.

સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાંખળી

સૂકાં અડૈયાંને વીણ્યાં રે લોલ,

લીલી તે પાંદડીમાં મ્હેકંત ફૂલ બે’ક

મારે અંબોડલે ખીલ્યાં રે લોલ.

વાતરક વ્હેણમાં ન્હૈતી મોરી સૈયર,

વાતરક વ્હેણમાં ન્હૈ 'તી રે લોલ,

ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર,

ઈંધણાં વીણવા ગઈ 'તી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 543)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007