hun aevo gujaraatii... - Geet | RekhtaGujarati

હું એવો ગુજરાતી...

hun aevo gujaraatii...

વિનોદ જોશી વિનોદ જોશી
હું એવો ગુજરાતી...
વિનોદ જોશી

હું એવો ગુજરાતી

જેની;

હું ગુજરાતી વાતથી ગજ ગજ ફૂલે છાતી.…

અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર,

અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર;

હું સાવજની ત્રાડ, હું ગરવી ભાષા લચકાતી…

નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ,

સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૂંગ;

હું ગિરનારી ગોખ, દ્વારિકા હું સુધારસ પાતી...

દુહા-છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,

મીરાંની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;

વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી….

હું ગાંધીનું મૌન, હું સરદાર તણી છું હાક,

હું સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક;

હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી…

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,

મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર;

હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ…

સ્રોત

  • પુસ્તક : ખુલ્લી પાંખે પિંજરમાં... (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2023