naveli naarnun giit - Geet | RekhtaGujarati

નવેલી નારનું ગીત

naveli naarnun giit

અરવિંદ ગડા અરવિંદ ગડા
નવેલી નારનું ગીત
અરવિંદ ગડા

સાવ અચાનક અણજાણ્યો પહેલો પહેલો સ્પર્શ

સ્પર્શમાં હેત હેતની હેલી

અને પછી તો રોમ રોમ ઝંકૃત હૃદયમાં ધક ધકનો ધબકાર

ધબકતી મારી અંદર નાર નવેલી!

મીઠો મીઠો આંખ ઉલાળો કરતો’તો રોજ, મુવાને શું યે સૂઝ્યું

હોઠ મરોડી આંગળીઓ બે અડકાડીને છુટ્ટી ફેંકી બેશરમીથી

અને શરમથી હું તો થઈ ગઈ પાણી પાણી ને અંદરથી

નાચી ઊઠી હું અલબેલી

અણજાણ્યો પહેલો પહેલો સ્પર્શ

સ્પર્શમાં હેત હેતની હેલી

હુંયે મૂઈ કંઈ ઓછી નંઈ કે મરક મરક મલકાઈ જરા મેં નજરો ઢાળી

આંગળીઓથી લટ સંકોરી ભુવન મોહિની સમી અદાથી ઉપર જોયું

અને પછી તો અલબેલો છેલ છોગાળો થરક થરક થઈ

થરકી ઊઠ્યો અલ્લા બેલી!

રોમ રોમ ઝંકૃત હૃદયમાં ધક ધકનો ધબકાર

ધબકતી મારી અંદર નાર નવેલી!

સ્રોત

  • પુસ્તક : શબ્દસર : નવેમ્બર - 2021 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : નિસર્ગ આહીર, ઋચા બ્રહ્મભટ્ટ