
હલક શું, છટા શું, જુઓ આ જ માર્દવ, મળ્યાં છે, હળ્યાં છે, ભળ્યાં છે આ પળમાં,
ને સરવર નજર માંડે ભૂરાં નયનથી, ગગનનું પ્રતિબિંબ પડતું આ જળમાં!
મળ્યું છે અહીં જે હતું આ સકળમાં...
આ જલધિ તરંગે ઉમંગે હૃદય છે, નજરમાં પ્રથમ એ મુલાકાત, ફળિયું,
જ્યાં મળવા અગાશી ઉપર હો ગયા ત્યાં, તું ઝૂકી વધારે ને શરમાયું નળિયું!
કરે યાદ સાથે એ કિસ્સા સફરના, નિશાની હજુયે છે એની વમળમાં,
મળ્યું છે અહીં જે હતું આ સકળમાં...
છે ઊગ્યાં ઉભય કૈંક પુષ્પો સુગંધે, સહજ આવી જાને તો રંગો પુરાશે,
ક્ષિતિજે વહે છે સંબંધોની ક્ષિપ્રા, જે આવી કિનારાને ભરતી કુમાશે;
ખીલીને, ખૂલીને અને ભાન ભૂલી, ભલે બંધ થાતો ભ્રમર અહિ કમળમાં!
મળ્યું છે અહીં જે હતું આ સકળમાં...
હલક શું, છટા શું, જુઓ આ જ માર્દવ, મળ્યાં છે, હળ્યાં છે, ભળ્યાં છે આ પળમાં,
ને સરવર નજર માંડે ભૂરાં નયનથી, ગગનનું પ્રતિબિંબ પડતું આ જળમાં!
મળ્યું છે અહીં જે હતું આ સકળમાં...



સ્રોત
- પુસ્તક : લયાનુભૂતિ - ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 59)
- સર્જક : હરીશ શાહ
- પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન
- વર્ષ : 2023