અમે જળના ધાડા
Ame Jlana Dhada
વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
Varsha Prajapati 'Zarmar'

અમે જળના ધાડા
દસે દિશાઓ ખૂંદી વળીએ, ભરીએ હૃદય ઉચાળાં,
અમે જળના ધાડા
અમે દરિયાપંથી ધસમસ વેગે પર્વત પર્વત ખરીએ
કદી ભેખડ તોડી, નદીઓ છોડી, ડુંગર ડુંગર ફરીએ
તળાવ કાંઠે જંપી જઈએ, ભાળી પુષ્પ સુંવાળા
અમે જળના ધાડા
નદી, સરોવર સૂકવી સૂરજ નગર બનાવે જળનું,
પત્ર લખીને પૂછે ધરતી સરનામું વાદળનું
ધોધમાર વરસાદ નથી આ કેવળ જળના ખાડા
અમે જળના ધાડા
અમને ગમતી એક જગાનું નામ કહું તો આંખો
પીડા નામે એક પરીને અહીં ફૂટે છે પાંંખો
બાથ ભીડીને પાંપણ સાથે રોજ કૂદે છે વાડા
અમે જળના ધાડા



સ્રોત
- પુસ્તક : મોરપીંછના સરનામે... (પૃષ્ઠ ક્રમાંક 76)
- સર્જક : વર્ષા પ્રજાપતિ 'ઝરમર'
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2019