hoth - Geet | RekhtaGujarati

કેવા છે હોઠ!

સ્મિત કરવાનું શીખવાડ્યું પણ રહ્યા ઠોઠના ઠોઠ!

રીતભાત કંઈ શીખે, બોલે વાત કરે, પણ ના!

રંગબિરંગી ઉદ્ગારોનો વેશ ધરે, પણ ના!

આંખથી ઊતરે રંગ વગરનાં આંસુઓની પોઠ!

કેવા છે હોઠ!

પાડોશીઓ સાથે ઊજવે ના કોઈ તહેવાર,

આંખ, કાન, જીભ પાસે છે પણ ક્યાં છે કંઈ વહેવાર?

જગની પરવા ના રાખે, બસ એકબીજાની ગોઠ!

કેવા છે હોઠ!

સામે આવી ઊભા ત્યારે હોઠ ભરે ના હામ,

નક્કામી વસ્તુને તો પણ મળી ગયું એક કામ!

પળભરમાં બન્યા ગુલાબી ચુંબનનો બાજોઠ!

કેવા છે હોઠ!

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2014
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન