hotalabauyanun geet - Geet | RekhtaGujarati

હોટલબૉયનું ગીત

hotalabauyanun geet

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
હોટલબૉયનું ગીત
નયન હ. દેસાઈ

એક પાછી રકાબી ફૂટી—

શેઠીઆના રોજરોજ કંકાસે ત્રાસીને

પાંચ સાત નોકરી છૂટી;

ડોલમાં હું ધબ્બ કરી બોળું છું હાથ અને

યાદ આને છે ગામનું તળાવ;

કાચના પિયાલામાં સીમ ઊઠે ખખડી

એવો બને છે બનાવ

બાદશાહી દેશી ને ફળફળતી બાફમાં

મહેકે છે મંજરી જૂઠી—

આયનામાં કાચ નથી હોતો ને હોય છે

શેઠીઆની આંખનો પહેરો;

ભીના કકડાથી હું સાફ કરું ટેબલ ને

યાદ આવે માવડીનો ચહેરો—

હોટલના બાંકડા પર ઝૂકે ગગન

એવી મને કોઈ આપો જડીબૂટી—

એક પાછી રકાબી ફૂટી—

સ્રોત

  • પુસ્તક : મુકામ પોસ્ટ માણસ
  • સર્જક : નયન દેસાઈ
  • પ્રકાશક : તન્વી પ્રકાશન