Hori (Gher aavo vasantvilasi) - Geet | RekhtaGujarati

હોરી (ઘરે આવો વસંતવિલાસી)

Hori (Gher aavo vasantvilasi)

દલપતરામ દલપતરામ
હોરી (ઘરે આવો વસંતવિલાસી)
દલપતરામ

(સાવરો અજહુ નહીં આયો રાગ.)

ઘેર આવો વસંત વિલાસી; વિલાસી, ઘેર. ટેક.

આવે સમે કેમ આપ થયા છો, પિયુ પરદેશ પ્રવાસી;

અવધ ઉપર દિન અધિક ગયા છે, ફાગણની ગુણ રાશી;

પ્રિયા આવી પૂરણ માસી, ઘેર આવો વસંત વિલાસી.

લખી લખી કાગળ લખવાની લેખણ, ઘણું લખતાં ગઈ ઘાસી;

આપનો ઉત્તર એકે આવ્યો, થકી થઈ છું ઉદાસી;

નકી બેઠી થઈને નિરાશી, ઘેર આવો વસંત વિલાસી.

કંથ કથનથકી કોલ કર્યો હતો, એક દિન બેસી અગાશી;

પ્યારી તને નહિ પલક વિસારું, તે નથી જોતા તપાસી;

સ્વામી કેમ મળશે શાબાશી, ઘેર આવો વસંત વિલાસી.

પિયુ તમ અરથે પલંગ બિછાવું, ખાટ બાંધું ખૂબ ખાસી;

ચંપા ચંબેલી ગુલાબના ગજરા, હાર પહેરાવું હુલાસી;

વદન જોઉં નેણ વિકાસી, ઘેર આવો વસંત વિલાસી.

રૂતુમાં રમે પિયુ સંગ પ્રેમદા, હેતે કરી કરી હાંસી;

દલપતરામના દેવે દીધી હોય, જોડ જો રામ સીતાશી;

કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002