holo bhagat - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હોલો ભગત

holo bhagat

મકરંદ દવે મકરંદ દવે
હોલો ભગત
મકરંદ દવે

હોલો ભગત બે'ક વે'લા ઊઠ્યા છે ને

ભજનું માંડ્યાં છે આજ ગાવા

ઘર બેઠાં ગંગાજી નાવા.

ચાંદોજી આથમણે રૂપું ગણે છે ને

સૂરજમલ ઉગમણે સોનું,

હોલાની આંખ જરા દોરું તો બોલે છે

સોનું-રૂપું છે ભાઈ, કોનું?

ફોગટનું જોવું નંઈ હોલો ભગત કિયે

આજકાલના ફુગાવા.

સૂરજ નો'તો ને વળી ચાંદો નો'તો

ને વળી નો'તી ધરતીની કાયા

ટાણે આપણે તો ભજનું ગાતા 'તા

ભાઈ, પંડના મેલીને પડછાયા

હોલો રાણો ક્યે છે માથું હલાવીને

એરે મુલક મારે જાવા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 1995