ઉમાશંકર જોશી
Umashankar Joshi
હી રો શી મા... ના ગા સા કી…
કહો, છે કૈં બાકી?
નાગાસાકી... હીરોશીમા...
ભાઈ, જરી ધીમા!
આ ગતિએ વધશો તો ભૂ-ગોલની ભસ્મ કરી
સ્રષ્ટાને લલાટે કાલત્રિપુંડ-શી દેશો ધરી.
ગર્ભવતી ધરિત્રીની કૂખે મૂઢ મારી ઢીંક,
કપૂત, ફરે છે થઈ મહાવિજયી નિર્ભીક!
ભય તો ખસી બહાર બધેથી જરીએ જરી,
સર્યો તારા ભીતરમાં, સદાનો ત્યાં વસ્યો ઠરી.
અંતરાત્મા નહિ માત્ર, નરી આંખ, આ શું દેખે?
પ્રલયવહ્નિયે અહો નહીં કાંઈ લાગ્યો લેખે?
સર્વસ્વ અગ્નિમાં ગળી રસરૂપ બન્યું તોય
શેરીઓને જોડનારો પુલ પેલો બચ્યો શોય!
પણે વળી પેલો ધીરે જગતનો તાત ચાલે,
ભાર વેઠી ખૂંધ એને પડેલી તે કેવી હાલે!
ખેડુના જોડાની ફાટમાંથી, ચાલે છે એ ત્યારે,
ડોકિયાં કરે છે એનાં આંગળાં. અને અત્યારે
નિશાળનો સમય થયો છે તેથી પણે પેલી
કન્યા ત્વરાભરી ચાલી જાય, અગાડી નમેલી
હાથમાં ઝાલેલી પાઠ્યપોથીઓના ભાર થકી.
કેવો પુલ!
કેવો વા હવે ખેડૂત!
કેવું કે કૌમારફૂલ
તેં તો બધું મૃત્યુમુખે હોમી દીધું હતું છકી
શક્તિછાકે; આજે હવે શાને પછી એ જ સર્વ
ભાળવા કરે? તે સૌય તારો તોડવાને ગર્વ,
જે વિજ્ઞાનની સહાયથી તેં તેનો કર્યો નાશ
તેની જ કો ગૂઢ પ્રક્રિયા થકી, થતાં પ્રકાશ.
અથવા તે સદાભીરુ આંખ તારી ઝંખ્યાં કરે
નાશિતોને? તનેયે તે અંતરાત્મા ડંખ્યા કરે!
તો તો કાંઈ ભવિષ્યમાં તારે કાજ આશા હજી.
પ્રણાશ વટાવી તે તો ચિરંતન રૂપ સજી
ન-મર્યા શાં પીછો તારો લેશે સદાકાળ માટે.
કોણ છે એવો જે ભૂંસી શકે અહીં પૃથ્વીપાટે
અમૂર્ત તે મૂર્તિઓને, અનષ્ટ તે નાશિતોને?
અગ્ન્યસ્ત્ર તું શક્તિમત્ત વરસાવ્યાં કરે છોને!
કન્યા પેલી ચાલી જાય અસંશય પદે, એના
દૃઢ બીડ્યા હોઠ બોલે નીરવ કે છોડશે ના
સ્વીકાર્યું પોતે જે મહાકર્તવ્ય : પંડે શીખીને
શીખવશે સૌને સહેવાનું, — જેમ જન્મ દૈને
બાળને માતાઓ કરે અનર્ગળ વેદના ને
યાતનાઓ સહન, હા! તેમ જ કૈં કૈં બહાને
સહેવાનું શીખવશે શીખીને એ સ્વયં; વળી
છોડશે કે અધિકાર માતા માનવતા તણી
થવાનો પ્રકૃતિદત્ત સદાનો મળ્યો જે એને?
અને પેલો ખેડુ - અને પશુ મૂંગું સાથે છેને
તેય — શ્રદ્ધાશબ્દ પૂરે સૃષ્ટિના હૃદય માંહી :
જે કૈં વસે માનવીઓ, સાથી પશુઓ વા આંહીં,
તે સર્વનું પેટપૂર પૂરું પાડશું જ અન્ન
અમે, તમે બેસો શાન્ત લોહીએ થઈ પ્રસન્ન.
અને પેલો પુલ કહે છે કે બે શેરી જ નહીં,
આડશો જે દેશ દેશ જાતિ જાતિ વચ્ચે રહી
તેને સાંધનારો સેતુ બની હું રહીશ, સાથે
સામસામાં હૃદયોને ભેટીશ હું એક બાથે.
ભલે અમાનુષિતાની મનુષ્યે બતાવી સીમા,
- નાગાસાકી.. હીરોશીમા… -
અંતે તો મનુષ્ય સામે અમાનુષિતા જ થાકી.
હીરોશીમા... નાગાસાકી...
[હીરોશીમાની ભસ્મભૂમિમાં એક ગોરા અફસરને રસ્તાનો પુલ, ખેડૂત અને નિશાળે જતી કન્યા દેખાયાં હતાં. - અખબારી અહેવાલ.]
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
