he - Geet | RekhtaGujarati

હે મમ હૃદય કમલદલવાસી!

તલસી રહું ઝંખન નિશદિન

ચિરતૃષિત અને ઉપવાસી.

- હે મમo

ભ્રમર બની નહિ મારે વસવું

રજની તવ ઉર ભીતર,

પ્રતિ પ્રભાતે પછી આથડવું

પુષ્પ પુષ્પ રે પથ પરઃ

રાગ નહિ, રટણા નહિ, ના ધ્રુવ,

કેવલ વ્યર્થ પ્રવાસી

– હે મમo

ઝંખું થવા તમ દલદલ નીતરત

ઝાકળજલ ને બિન્દુ,

ચંદ્રસુધા સૂરજનાં અમરત

અસીમ પ્રીતના સિન્ધુઃ

ઝીલી એક ઝલક ઝરી જાઉં

તૃપ્ત ભવોભવ પ્યાસી.

– હે મમo

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008