Hast Have Dharan Karvama... - Geet | RekhtaGujarati

હસ્ત હવે ધારણ કરવામાં...

Hast Have Dharan Karvama...

પ્રફુલ્લ પંડ્યા પ્રફુલ્લ પંડ્યા
હસ્ત હવે ધારણ કરવામાં...
પ્રફુલ્લ પંડ્યા

ચોઘડિયું તો સારું છે પણ

ચહેરો છે ઉદાસ જોને

જીવતરની ડાળ પરે લટકે

કાચી સુવાસ જોને

લટકે ક્ષણની વાડીમાં તે

તોરણની લીલાશ જોને

આજ આંખમાં લાગે છે

કોઈ અવસરિયો અજવાસ જોને

મનની વીંટી ઊજળી કરતા

જોયા કૈંક આભાસ જોને

અને હવે આંગળીયું તો

રમતી રમઝટ રાસ જોને

રાસ રમી આવર્તન રચતાં

થયો હશે ઉજાસ જોને

એનાથી તો ચાલ્યા કરશે

યુગ યુગનો પરવાસ જોને

થશે નિરંતર લખતરથી

પ્રીતપોથીમાં સહવાસ જોને

હસ્ત હવે ધારણ કરવામાં

છે ડમરુનો પ્રાસ જોને

શબ્દભભૂતિ ચોળી એવો

થયો છે નિજમાં વાસ જોને

જીવતરના સૂના ઘાટે

થયો પછી પરકાશ જોને

કવિનો મારગ હાથવેંતમાં

હાથવેંત આકાશ જોને

ટકી શકે ટેક બને ને

બાકી પડતી લાશ જોને

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ