chhetryaan - Geet | RekhtaGujarati

જેણે હસીને લોભાવી કીધી વાતડી,

સૂતાં જગાડ્યાં વેણુના દઈને સાદ.

એણે રે અમને છેતર્યાં!

આશા દઈને છોડાવ્યાં ઘર ને ઘાટને,

વગડે રઝળાવ્યાં અંતરિયાળ.

એકાન્તે એણે છેતર્યાં!

તાળી હસીને આપી હસતાં વહી ગયા,

એણે જાણ્યો ના ભોળીનો ઉન્માદ.

ગોવિન્દે અમને છેતર્યાં!

તરસી જોવા ને રઘવાઈ મૂંગી ગાવડી,

જેનાં રૂંવાડાં તલખે વેણુનાદ.

એનેયે હરિએ છેતર્યાં!

વગડો વાગોળે છે દી ને રાત વાંસળી,

ઊંડાં અમ જેવો વેઠે વિષાદ.

નથી રે કો’ને છેતર્યાં!

બાઈ, અમે રડીએ સહ્યું ના જાયે એટલે,

નથી કોનેયે કંઈ રાવ ફરિયાદ.

પ્રભુએ જ્યારે છેતર્યાં!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ