harino hanslo - Geet | RekhtaGujarati

હરિનો હંસલો

harino hanslo

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
હરિનો હંસલો
બાલમુકુન્દ દવે

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો?

કલંકીએ કોણે કીધા ઘા?

કોણ રે અપરાધી માનવ જાતનો

જેને સૂઝી અવળી મત આ?

રુધિરે રંગાયો હરિનો હંસલો!

પાંખ ઢાળીને હંસો પોઢિયો,

ધોળો ધોળો ધરણીને અંક;

કરુણા-આંજી રે રે એની આંખડી,

રામની રટણા છે એને કંઠ.

રુધિરે રંગાયો હરિનો હંસલો!

હિમાળે સરવર શીળાં લે’રતાં,

ત્યાંનો રે રહેવાસી તો હંસ;

આવી રે ચડેલો જગને ખાબડે,

જાળવી જાણ્યો ના આપણ રંક!

રુધિરે રંગાયો હરિનો હંસલો!

સાંકડાં ખોદો રે અંતરખાબડાં,

રચો રે સરવર રૂડાં સાફ;

અમરોનો અતિથિ આવે હંસલો,

આપણી વચાળે પૂરે વાસ.

રુધિરે રંગાયો હરિનો હંસલો!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004