Hari ne Viday - Geet | RekhtaGujarati

હરિને વિદાય

Hari ne Viday

સુન્દરમ્ સુન્દરમ્
હરિને વિદાય
સુન્દરમ્

વૈકુંઠે સિધાવો રે,

વૈકુંઠે પધારો રે,

હવે હરિ વૈકુંઠ જાઓ રે.

કામ નથી હવે ઝાઝું તમારું,

તેં વણસાડ્યું ઊલટું વાજું.

લોક નથી હવે ભોળિયા જૂના,

દેશે ના ખાવાય ખાજું.

કેવે કાળે તારાં પગલાં થયાં આંહીં,

ભૂમિને બેઠી પનોતી,

આવ્યો ત્યાંથી માંડી મારામારી તેં,

ધરતી કરી સદા રોતી.

વૈકુંઠમાં જાણે ધાન ખૂટ્યું તે તું

આવ્યો શું ઢોર હરાયો,

ગોકુળનાં દૂધ માખણ ખાતાં તું

ફાટ્યો, કદી ના ધરાયો.

દરિયામાં સાપ પરે સૂઈ રહેવું

લાગ્યું હશે અકારું,

ગોકુળમાં ઝટ્ટ આવી ભરાયો તું

ધરતીનું કીધું નગારું.

ખાધુંપીધું ખૂબ મારામારી કરી,

દુનિયાનો વાળ્યો દાટ,

થાક્યો ત્યારે તેં તો મંદિરમાં પેસી

વાસી દેવાડ્યાં કમાડ.

તું તારે મંદિરમાં જઈ બેઠો ને

ઠોકરે ઠેલ્યાં લોક,

તારું નાચેલું નાચ્યાં, તારું વેણ

સાચું સમજ્યું કોક.

તું તારે જા હવે વૈકુંઠ ચાલી, જો

દિન આવ્યા હવે માઠા,

તારા વારાના ગોવાળો ને રાજા

સ્વર્ગે કે નરકે નાઠા.

ગાયો અને એના ગૌચરા એકે

આજે નથી રહ્યાં સાજાં,

અન્નપાણીનાં વલખાં અમારે ત્યાં

તારે શાં માખણ તાજાં?

મોર મુગટ ને પીળાં પીતાંબર

કાને કરેણનો ગોટો,

ભૂલી જાજે તારાં લાડ જસોદાનાં

મળશે હવે જાડો જોટો.

મોરલી તારીને મેલ્ય તું ફૂંકી ને

શંખલો દરિયામાં નાખ,

હડકાયાં કૂતરાંની બીક લાગે તો

હાથે ડંગોરી તું રાખ.

ગાવાં ને નાચવાં, જમનામાં ન્હાવાં

તારાં આજ કો સાંખે,

રોગ રડે, અહીં નાચે દુકાળો,

મોત ખાઉં ખાઉં ભાખે.

તું પોઢ્યો સોનાને પારણે ને અહીં

નાકલીંટી લોક તાણે,

છપ્પન ભોગનો ખાનારો અમ્મારાં

પેટની પીડા શું જાણે?

કાળને મોઢે દેશ ઓરાયો તું

કહેને તારાથી શું થાય?

જમ્મ બેઠા ગળે ટૂંપો દેતા તેને

તારાથી કહે શું કરાય?

પોલું દેખી અહીં પેઠો તું લાગ છ,

મીઠડે દૂધે મોહ્યો.

તેં તારું દૂધ ને ઘી સંભાળ્યું,

મનખો અમારો જોયો.

દેશે દેશે તને દીધો જાકારો,

પંપાળી કોએ ના ઉઠાડ્યો,

રશિયાએ, ટર્કીએ હાંકી કાઢ્યો તને

પંપાળી હિન્દે સુવાડ્યો.

કોયો ભગત એના આંખના ડોળા

ફાડી ફાડી તને પૂછે,

જુગના જુગો તને રાખી જોયો હવે

કામ તારું અહીં શું છે?

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004