hari, hun to ewun ja magun mot! - Geet | RekhtaGujarati

હરિ, હું તો એવું જ માગું મોત!

hari, hun to ewun ja magun mot!

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
હરિ, હું તો એવું જ માગું મોત!
કરસનદાસ માણેક

એવું જ માગું મોત,

હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત, ને તે થયું હોત, ને પેલું થયું હોત,

અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત!

હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિચલ ચલવું ગોતઃ

ઓતપ્રોત હોઉં આપમહીં જ્યારે ઊડે પ્રાણકપોત!

હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદઃ

જોજે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત!

હરિ, હું તો એવું જ માગું મોત!

ગિરિગણ ચઢતાં, ઘનવન વીંધતાં, તરતાં સરિતાસ્ત્રોત,

સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર જળહળ જ્યોત!

હરિ, હું તો એવું જ માગું મોત!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008