han re beni - Geet | RekhtaGujarati

હાં રે બેની

han re beni

શકુર સરવૈયા શકુર સરવૈયા
હાં રે બેની
શકુર સરવૈયા

હાં રે બેની પંખીને દૂર દૂર ઊડવાના લાગ્યા રે થાક

ને બેની મારે ફળિયામાં આભલાંને આણવાં.

હાં રે બેની સૂરજમુખીને હવે ફરવાના લાગ્યા રે થાક

ને બેની મારે આંગણિયે કિરણોને બાંધવાં.

હાં રે બેની ચાડિયાને ઊભા રહેવાના હવે લાગ્યા રે થાક

ને બેની મારે પાદરનાં રખોપાં રાખવાં.

હાં રે બેની ડૂંડવાની દાંડિયુંને ડોલવાના લાગ્યા રે થાક

ને બેની મારે પાલવમાં વાયરાને ઝીલવા

હાં રે બેની વાવને હવે અવવારું રહેવાના લાગ્યા રે થાક

ને બેની મારે ઊંડેથી અંધારાં સીંચવાં.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 620)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007