halwi hawane hileale - Geet | RekhtaGujarati

હળવી હવાને હિલેાળે

halwi hawane hileale

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
હળવી હવાને હિલેાળે
મણિલાલ દેસાઈ

એક હળવી હવાને હિલોળે!

ઉરના અજંપો મારો ધીરેથી જઈ બેઠો ખીલેલી રાતરાણીખોળે!

પોતાનાં આજ જ્યારે રૂઠી ગયાં

ત્યાં કહો, કોને જઈને તે વાત કહીએ?

ઉરના કાંટા રહે વાગી

ત્યાં સૈયર 'રી, સેજને તે દોષ કેમ દઈએ?

પાંપણમાં ઘેન, ચેન હૈયે જરા ન, તો યે સૂતા ઉમંગ કેમ કોળે!

એક હળવી હવાને હિલોળે!

આંખો ઉઘાડું ત્યાં પાછી બિડાઈ જાય

જાણે હોય શું લજામણી!

એવી મૂંઝાઈ મરું, નહિ હું તો ઓળખું

મારા અંતરની કોઈ લાગણી;

અંધારે અંગ મારું જાણે ભીંજાઈ જતું ચૈતરની ચાંદનીની છોળે!

એક હળવી હવાને હિલોળે!

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2