halwa te hathe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હળવા તે હાથે

halwa te hathe

માધવ રામાનુજ માધવ રામાનુજ
હળવા તે હાથે
માધવ રામાનુજ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,

સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ.....

આયખાની કાંટ્યમાં રે અમે અડવાણે પગ,

રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;

ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,

ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ...

પે’ર્યા ઓઢ્યાના ઓરતા રે છોગે ગુલાબી,

આંખમાં રાત્યું આંજતા રે અમે ઘેન ગુલાબી;

કૅડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,

ફૂમતે મોર ગે'કાવજો રે અમે કોમળ કોમળ..

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો :

-ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો!

-ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો!

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ!

ફૂલના પોઢણ સાથરા? કેવા કોમળ કોમળ!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 271)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004