halakDolak shwas - Geet | RekhtaGujarati

હાલકડોલક શ્વાસ

halakDolak shwas

યોગેશ જોષી યોગેશ જોષી
હાલકડોલક શ્વાસ
યોગેશ જોષી

પાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા

શ્વાસની છલક વાગતાં તૂટી છાતી કેરી કોર સજનવા

ભરચોમાસે ખરી પડ્યા છે ટોડલે બેઠા મોર સજનવા

અડધી રાતે અજવાળાની કલકલનો આભાસ સજનવા

પાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા

તરસ્યા હોઠને કોરું લાગે ગંગા કેરું જળ સજનવા

પથ્થરના હોઠ તો માગે ભીની બસ એક પળ સજનવા

કીકી પાસે આવી રણકે ઝાંઝર-શો અજવાસ સજનવા

પાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા

કંકુવરણાં સ્વપ્નાં વચ્ચે સાવ કુંવારી આંખ સજનવા

આભનાં ખરતાં પોપડાં સામે જોતી લીલી પાંખ સજનવા

પાણીમાં તરતા મૂક્યા છે હાલકડોલક શ્વાસ સજનવા

સ્રોત

  • પુસ્તક : કલરવતું અજવાળું (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : યોગેશ જોષી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2016