haju - Geet | RekhtaGujarati

હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી,

હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.

હજુ પવનમાં ભેજ વધે છે, હજુ ઢાળ છે લીલા,

હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સુરીલા.

હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં... ચીં...

હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી,

હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે-ત્રણ વૃદ્ધા,

હજુ વિગતના સ્વાદ ચગળતી ખખડધજ સમૃદ્ધા,

હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી

હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીચી.

હજુ નદીના કાંઠે કૂબામાં ગાતી મુનિયા,

હજુ ય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા.

હજુ ય નવતર રંગ પકડવા તું પકડે છે પીંછી,

હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021