Vhalam, Lidhi Vaat - Geet | RekhtaGujarati

વ્હાલમ, લીધી વાટ

Vhalam, Lidhi Vaat

સેંટ જ્હૉન ઑફ ધ ક્રૉસ સેંટ જ્હૉન ઑફ ધ ક્રૉસ
વ્હાલમ, લીધી વાટ
સેંટ જ્હૉન ઑફ ધ ક્રૉસ

અરધી રાતે ઊઠીને, કાંઈ મનના મેલી ઉચાટ,

આખર હેત-ઉતાવળી મેં તો વ્હાલમ, લીધી વાટ,

સૂને એકલ ઘાટ, ઘર વાંસે રિયું ઘોરતું.

છાનીછપની, છળી મરી, કરી ગુપત ઘટાની ગોત,

હૈયે તો હરખું ઘણી, એક ઝીણી ભાળી જ્યોત,

અંધારે શું અબોધ! ઘરનાં સૌ ઘોંટી રિયાં.

બાઈ, મારે બિહામણી રાત બની રૂડી,

અંધારે આડી ફરી, ક્યાંય નજરું નંઈ કૂડી,

અંદર આફૂડી, દિલની પ્રગટી દીવડી.

સૂરજ સળગે તોય, આવો નંઈ અંજવાસ,

નીરખ્યા વાટ નિહાળતા, જ્યાં પ્રીતમ પાસોપાસ,

સોંપ્યા સાસ ઉછાસ, ઓર જ્યાં આવી શકે.

પ્રાગડથી વ્હાલી મુંને કાળમકાળી રાત,

ચોરપગે ચીંધી ગઈ મુંને મેરમની મો'લાત!

જ્યાં બીબે બીજી ભાત અરસપરસ અળખાઈ ગઈ.

પિયુને હૈયાફૂલડે અમે રાખ્યા રેનપહોર,

સુખની તો સીમા નંઈ, મારું જીવ્યું હવે ઝકોર,

મઘમઘતાં ચહુઓર, ચંદનવન ઝૂમી પડ્યાં.

એની લટ લ્હેરાવતો વાતો ભીનો વા,

ગળે લગાવી ગમતીલી, એણે ગરવી ભરી ભુજા,

સપનું? સાચું આ? ભાનસાન ભૂલી ગઈ.

(અનુ. મકરન્દ દવે)

રસપ્રદ તથ્યો

St. John of the Crossના કાવ્ય 'Upon a gloomy night'નો અનુવાદ

સ્રોત

  • પુસ્તક : મકરન્દ-મુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 2003
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ