વાયરા
vaayaraa
નંદકુમાર પાઠક
Nandkumar Pathak

તારો છેડલો તે માથે રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા,
તારી વેણીની મ્હેંક જાશે ઊડી હો
આ તો ચેતર વૈશાખના વાયરા.
અંગારા વેરતો તડકાનો તોર કૈં,
અંગારા ઝીલતો આંખોનો તોર કૈં;
તારી આંખો અધૂકડી રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા.
તારી નજર્યુંનાં નૂર જશે ઊડી હો
આ તો ચૈતર વૈશાખના વાયરા.
ઊંના એ વાયરાને પાલવમાં પૂર ના,
ઉછળતા ઓરતા છે ઊંના રે ઉરના;
તારા હૈયા પર હાથ અલી રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા.
તારા હૈયાનાં હીર જાશે ઊડી હો
આ તો ચૈતર વૈશાખના વાયરા.



સ્રોત
- પુસ્તક : લહેરાતાં રૂપ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : નંદકુમાર પાઠક
- પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર
- વર્ષ : 1978