હૈયું ખોવાયું એક વેળા
haiyu khovayu ek vela
ગુલાબદાસ બ્રોકર
Gulabdas Broker
ગુલાબદાસ બ્રોકર
Gulabdas Broker
મારું હૈયું ખોવાયું એક વેળા
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતીરાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા
એવી એક સાંજરે ઘેલું બનેલ આ
હૈયું ખોવાયું એક વેળા
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં, તારલાને લાખ લાખ નેણે
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે
હૈયું ખોવાયું એક વેળા
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી'તી સીમમાંથી જ્યારે
ત્યારે દીઠો મેં ક્હાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે
હૈયું ખોવાયું એક વેળા
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1973 (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
