haalyane komal! - Geet | RekhtaGujarati

હાલ્યને કોમળ!

haalyane komal!

શશિકાંત જોશી શશિકાંત જોશી
હાલ્યને કોમળ!
શશિકાંત જોશી

હાલ્યને કોમળ! ટેરવે ફૂટી

અણસારાનું ઉજવી હૈયે આકાશ!

હાલ્યને કોમળ! હૈયે ઝૂકી

ઘબકારાનું ગજવી લૈયે આકાશ!

વગડે મૂકી જાત

પાદરે વહેતી મૂકી સાન ભૂલ્યાની વાત!

ધૂળ ઢેકાનાં ડાયરે બેઠા

ચાડિયો ફૂંકે સીમની સૂની રાત!

હાલ્યને કોમળ! હૈયે ઝૂકી

ઘબકારાનું ગજવી લૈયે આકાશ!...

ફળિયાનું લૈ કાળિયું માથે

જઈ ખેતરમાં મોરલો પૂરે રંગકસુંબલ ભાત!

હીબકાં લેતું ખોરડું આજે

બારણે ઊભું મ્હેંદીપૂર્યા દનની જુએ વાટ!

હાલ્યને કોમળ! ટેરવે ફૂટી

અણસારાનું ઊજવી લૈયે આકાશ!...

ગામની ભૂલી વાટ

ટપોટપ બોરડી ઝાડે ખરતી જાતી યાદ!

ભ્રમણા ભૂલી આંખ

અંધાપે એકલી ઊભી ગામને પાડે સાદ!

હાલ્યને કોમળ! શબ્દે ઊગી

અણબોલ્યાનું ઉજવી લૈયે આકાશ!...

સ્રોત

  • પુસ્તક : પગલું... (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : શશિકાંત જોશી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર