swargwasi ranjitramne! - Geet | RekhtaGujarati

સ્વર્ગવાસી રણજીતરામને!

swargwasi ranjitramne!

ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા
સ્વર્ગવાસી રણજીતરામને!
ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા

ગુજરાતના રણજીતની રણવાટ આજે સૂની છે,

ગુર્જરી વીર સ્મરણ થાતાં આંખડી સહુ ભીની છે.

સાહિત્યની ફૂલવાડીમાં ફૂલો સદા પાષતો,

માળી બની નિજ કુંજમાં રોપા અનેરા રોપતો.

સાહિત્યના મન્દિરની ચણતર તણો પાયો ભરી,

રણજીત ત્હેં તે તુજ દેશની સેવા ભલી ભાતે કરી.

ગૌરવભર્યું ગુજરાત ને ગૌરવભર્યા ગુજરાતીઓ,

ગૌરવભરી ભાવના પ્રકટાવવા તુ બહુ ફર્યો

સાગર! અમ્હારૂં રત્ન તું શાને ભલા ખેંચી ગયો?

રત્નો તણી તુજ ખાણનો ભંડાર શુ તેથી ભર્યો?

ત્હારાં હતાં જે સ્વપ્ન રણજીત આજ તે સાચાં પડ્યાં,

ગાજી રહ્યું ગુજરાત ને ગુજરાતીઓ જાગ્યાં ખરાં.

ત્હારી હતી જે ભાવના તે તે પ્રભુએ સાંભળી,

આવી વસી ગુજરાતમાં કહાને વગાડી વાંસળી.

સ્રોત

  • પુસ્તક : નવગીત (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1921