gamne padar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગામને પાદર

gamne padar

ભીખુ કપોડીયા ભીખુ કપોડીયા
ગામને પાદર
ભીખુ કપોડીયા

ગામને પાદર વાડની કને ભાઈભેરુજન સહુએ મળી લાગતાં શિશુ રમવા,

ખેલના એવા બોલ ‘રે રાણી રોટલી કરે, મોરલો આવી બેસતો હવે જમવા.

થોરનું તોડે પાન ને છૂટે, વેગળું થયે

આંચળથી કોઈ વાછડું જાણે, દૂધની ધારા,

બેવડ વાળ્યા પાનમાં એકલ દૂધના ટીપે

એમ ફેલાવે આભ કે તરે રંગફુવારા.

રંગોમાં રાણી, મોર...ને ને નિજી ખેલમાં મગન એમ

કે આવી દંન ઊભો આથમવા... ગામને પાદર.

દૂરના કોઈ દેશથી રાણી—ક્હેણને દેતો વ્હેણ

હવે કલકલિયો થુવેર ટોચથી ગાતો;

કોઈ ઊભું બાળ ગયાં સહુ ઘેર

ને વહી વેળનો મોઘમ આભમાં ચોગમ રંગ રે રાતો.

સપને ભીની આંખ ને પરીપાંખને સવાર

સાત સમંદર પારના દેશો ભમવા...ગામને પાદર.

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988