gorii morii, phagan phaalyo jaay... - Geet | RekhtaGujarati

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…

gorii morii, phagan phaalyo jaay...

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…
ઉમાશંકર જોશી

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો

વ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો

ગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો

વ્હાલા મોરા ઝૂલણો મેલ્યો જાય કે ઝૂલશું જિન્દગી રે હો

ગોરી મોરી ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે હો

વ્હાલા મોરા શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે હો

ગોરી વ્હાલે મેલી આંબલિયાની ડાળ કે ચાલ્યા ચાકરી રે હો

લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે હો

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે હો

વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે હો

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી આંખડી રે હો

વ્હાલા મોરા બીજની કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે હો

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ