gorav nu geet - rangras nu geet - Geet | RekhtaGujarati

ગોરવનું ગીત - રંગરસનું ગીત

gorav nu geet - rangras nu geet

દલપતરામ દલપતરામ
ગોરવનું ગીત - રંગરસનું ગીત
દલપતરામ

રંગરસ માંડવામાં ઘોળાયરે, રંગરસ સાજનને છંટાયરે;

રંગરસ મોંઘે મૂલે વેચાયરે, રંગરસ રાજવળામાં વખણાયરે.

રંગરસ પાવ લાખે પાશેરરે, રંગરસ લાખ ટકાનો શેરરે;

રંગરસ રંગમહેલમાં બિરાજે રે, રંગરસ છેલછબીલીને છાજેરે;

રંગ૨સ દેવને દુર્લભ દીઠોરે, રંગરસ લાગે છે મનને મીઠો રે;

રંગરસ ભોગવે ભાગ્યશાળી ભોગીરે, રંગરસ પામે જોગી વિજોગીરે.

રંગરસ કન્યાની ચુડીએ ચળકેરે, રંગરસ વરની પાઘડીએ ઝળકેરે;

રંગરસ શોભે કન્યાને ચુડેરે, રંગરસ વરને છોગલે રૂડેરે.

રંગરસ ગુલાબવહુને ઘુંઘટેરે, રંગરસ ધનપાળભાઇને દુપટ્ટેરે;

જેવો રંગ રાખે ધનપાળભાઇરે, એવો રંગ રાખજો બેચર વેવાઇ છે.

રાખે રંગ કનકાવતી સુજાણરે, એવો રંગ રાખજો ફૂલાંદે વેવાણરે;

રાખે રંગ ગુલાબવહુ આજ જેવોરે, રાખજો રંગ જીવકોર વહુ તમે તેવો રે.

રંગરસ પામિયે પ્રભુને પ્રતાપેરે, રંગરસ ઇશ્વર રીઝીને આપેરે;

રંગરસ સસારમાં છે સારરે, રંગરસસૃષ્ટિતણો શણગારરે.

રંગરસની આજે ઉછળે છોળરે, રંગરસ છાંટે ને કરે છે કલ્લોલરે;

રંગરસ પ્રેમતણો પરિણામરે, દેખી દીલ રીઝે દલપતરામરે.

રસપ્રદ તથ્યો

રંગરસ - કવીશ્વર દલપતરામ લખે છે કે "જાનને પહેરામણી કરે છે તે દહાડે તથા ગોરવને દહાડે કંકુનો રંગ કરીને વેવાઇઓ અને વેવાણો એક બીજાની દાઢી પીળે છે અને કંકુ છાંટે છે. કંકુના રંગનું નામ રંગરસ અને તેનો ભાવાર્થ પરસ્પર પ્રેમનો રસ છે. મુસલમાનો પોથીનો રંગ વિવાહમાં પરસ્પર છાંટે છે."

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002