khananun kaam - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્હાનાનું કામ

khananun kaam

મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદી
ક્હાનાનું કામ
મનુભાઈ ત્રિવેદી

મારું જીવતર ધન્ય ધન્ય કીધું

ક્હાનાએ મને કામ ચીંધ્યું.

કીધું ક્હાનાએ મને, ગાવડીને પૂર

રૂડા ગોકુળિયા ગામની ગમાણે,

પાણી ને પૂળો એને નીરજે ને દ્હોજે

પણ કરતી કાંઈ તું પરાણે:

કામ કેટલું સાદું ને સીધું!

ક્હાનાએ મને કામ ચીંધ્યું.

ન્હોતી જે આવતી ને ઢીંકે ચડાવતી

તે ગાવડીને ડચકારી ક્હાને;

સાલસ થઈને તો હાલી મુજ મોર

એની મેળે ગમાણની સાને:

એણે આસન ખીલાની પાસ લીધું!

ક્હાનાએ મને કામ ચીંધ્યું.

દોરી ઉપાડી ત્યારે એણે નમાવી ડોક

પહેરી લીધી જાણે માળા;

નીર્યું નીરણ એણે ખાધું ને પાયું પાણી -

પીધું, કર્યાં કોઈ ચાળા:

એણે સામેથી દૂધ દોહી દીધું!

ક્હાનાએ મને કામ ચીંધ્યું.

આવું કામ તોય ક્હાનાએ કીધું

એથી હરખે બની ગઈ હું ઘેલી;

ક્હાનાનાં વેણ થકી મારે શિર વરસી ગઈ

અઢળક આનંદની હેલી:

મેં તો હોંશે અમરત પીધું!

ક્હાનાએ મને કામ ચીંધ્યું.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 456)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007