amalaktori - Geet | RekhtaGujarati

ભર મન! બ્રહ્મપ્રેમનો પ્યાલો રે

મને હરિરસ વ્હાલો રે....

અંગૂર ને આંબાના રસને મનથી મૂકી દીધો,

સતવાયકનો લીલો લીમડો ઘૂંટીઘૂંટી પીધો:

મારગ સુરગંગાનો લીધો.

—ભર મનo

માયાનાં ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી,

હૈયાના કંગાલ મનોરથ દીધા આજ વધેરી:

વાગી અનહદની રણભેરી.

—ભર મનo

કાળતણું કરજુગલ બિચારું રગડે છો તન-માટી,

જીવનની લાખેણી ખલમાં બ્રહ્મભક્તિ મેં વાટી:

મારે ઊંચી આત્મ-સપાટી.

—ભર મનo

સંતન! મેં સજીવન પીધું, ગયો કાળ—ઘા ઠાલો,

‘આખર’ની વૃન્દાવનકુંજે ગુંજત મુરલીવાલો:

ઊડે ચેતનરંગ–ગુલાલો.

—ભર મનo

રગરગ બ્રહ્મભાવના ફોરી!

પીધી હરિરસ–અમલ-કટોરી!

સ્રોત

  • પુસ્તક : સિંજારવ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિ.
  • વર્ષ : 1955