jharmar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્રાવણ વરસે સરવડે ને

ઝરમરિયો વરસાદઃ

—કાના, આવે તારી યાદo

વીજ ઝબૂકે વાદળ વચ્ચે

તરવરિયો ઉન્માદ:

—કાના, આવે તારી યાદo

જમણી આંખ ગઈ મથુરાં ને

ડાબી ગઈ ગોકુલમાં:

હૈયું વૃન્દાવન જઈ બેઠું

કુંજગલીના ફૂલમાં.

—કાના, આવે તારી યાદo

ગોપી થઈ ઘૂમું કે કાના,

બનું યશોદામૈયા?

કે રાધા થઈ રીઝવું તુજને

હે સત–પત રખવૈયા!

—કાના, આવે તારી યાદo

તનડું ડૂબ્યું જઈ જમનામાં

મનડું નામસ્મરણમાં—

સુધબુધ મારી આકુલવ્યાકુલ

તારા પરમ ચરણમાં:

—કાના, આવે તારી યાદo

સ્રોત

  • પુસ્તક : સિંજારવ (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિ.
  • વર્ષ : 1955