એક વાર
ek vaar
માધવ રામાનુજ
Madhav Ramanuj

એક વાર યમુનામાં આવ્યું'તું પૂર!
મથુરાથી એક વાર માથે મૂકીને કો'ક
લાવ્યું'તું વાંસળીના સૂર...
પાણી તો ઘસમસતાં વહેતાં રહે ને એમ
ગોકુળમાં વહેતી થઈ વાતો,
આમ કોઈ પૂછે તો કહી ના શકાય અને
આમ કોઈ ભવભવનો નાતો!
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં
બાજી રહ્યાં છે નૂપુર...
ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ
કાંઈ જોવામાં થાય નહીં ભૂલ,
એવું કદમ્બવૃક્ષ મહેકે છે : ડાળી પર
વસ્ત્રો હશે કે હશે ફૂલ!
પાણી પર અજવાળું તરતું રહે ને સ્હેજ
આંખોમાં ઝલમલતું નૂર...
કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળિયાની
વેણ એક વાંસળીનાં વેણ!
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપિચ્છ
નેણ એક રાધાનાં નેણ!
-એવાં તે કેવાં ઓ કહેણ તમે આવ્યાં
કે લઈ ચાલ્યાં દૂર દૂર દૂર!...



સ્રોત
- પુસ્તક : અક્ષરનું એકાંત (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : માધવ રામાનુજ
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 1997