girna jungle - Geet | RekhtaGujarati

ઘોર અતીવંકી ધરતી ને વંકા પથરાયા બહુ પ્હાડ,

વિકટ અને વંકા પગરસ્તા ગીચ ખિચોખિચ જામ્યાં ઝાડ;

ઝરે ઝરણ બહુ નીરતણાં જો ગાજે જંગલ ગીર તણાં.

ઉતાવળી ને ઉંડી નદિયૂં સઘન ઘટાથી છાઈ રહે,

કાળાંભમ્મર પાણી એનાં ધસતાં ધમધોકાર વહેઃ

ઝુક્યા તરૂવર તીર તણાં જોo

શિયાળ સસલાં સાબર હરણાં મનગમતી સૌ મોજ કરે,

વાઘ વરૂ ચિત્તા પારાધી શિકારીયોની ફોજ ફરેઃ

જીવનસાટાં શિર તણાં જોo

સિંહ સમા શુરવીર નરોની દુર્ગમ ધરતી શાખ પુરે,

ડુંગરની વિકરાળ કરાડૂં ઊભી મિત્રવિજોગ ઝુરે!

સ્મરી ધિંગાણાં ધીર તણાં જોo

અજબ ખંજરી બજે ભયાનક પ્રચંડ ધોધપછાડ તણી,

ઝીલે તેના પડછંદાઓ પ્રજા અડીખમ પ્હાડ તણીઃ

ભીષણ સૂર સમીર તણા જોo

બહુ રંગી વન વ્યાઘ્રચર્મ શાં અંગ ધરી યોગી ગિરનાર

બહુ યુગથી બેઠો દૃઢ આસન, પ્રેમભર્યા કરતો સત્કાર

સાધૂ સન્ત ફકીર તણાઃ જોo

પુષ્પિત તરુ વનવેલ વસન્તે નદપલ્લવ ઘેઘૂર બને,

રુંઢ ખાખરા ખિલે, કેસુડે મધુકર ગુંજન છાય વને,

કલરવ કોકિલ કીરતણા જોo

સ્વતંત્રતા ને સ્વાભાવિકતા સુંદરતા સહ રાસ રમે,

ડુંગર ડુંગર દેવ વસે, ને વિરાગિઓ અલ્મસ્ત ભમે

વિસરી જતન શરીર તણાઃ જોo

મોટી ગોળી સરખાં માથાં ઊપર સુન્દર કૂંઢા શીંઘ,

કુંજરનાં બચ્ચાંઓ જેવી ભેંશૂંની બહુ લઈને ઘીંઘ,

નેસ વસ્યા આહીર તણાઃ જોo

વર્ષાની ઘનઘટા ચડે નભ, ડુંગર પર વિજળી ઝબુકે,

મેઘદુન્દુભી ગડે ગગનમાં મત્ત બની મોરા ટહુકે;

ત્રાડન કેસરિ વીર તણાઃ –જોo

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931