giridhar! gokul aavo - Geet | RekhtaGujarati

ગિરિધર! ગોકુલ આવો

giridhar! gokul aavo

મનસુખલાલ  ઝવેરી મનસુખલાલ ઝવેરી
ગિરિધર! ગોકુલ આવો
મનસુખલાલ ઝવેરી

ગિરિધર! ગોકુલ આવો

ગિરિધર! ગોકુલ આવો.

વૃન્દાવન બંસીબટ સૂનાં, સૂનો જમુનાઆરો,

ગોકુલની ગલી ગલી પુકારે, ક્યાં છે નન્દદુલારો?

ગિરિધર! ગોકુલ આવો.

પંખીતણા કલકંઠ ભરાયા, હરિણ તજે મુખ તરણાં,

ગોધણ વ્રજનાં ભમે બ્હાવરાં, શોક સુકાયાં ઝરણાં.

ગિરિધર! ગોકુલ આવો.

દિવસ રહે તમ કાજ તલખતો, રાત રહે મીટ માંડી,

પ્હોર પ્હોર પ્રભુ નામ પુકારે, ગિરિવર ભયો ઉદાસી.

ગિરિધર! ગોકુલ આવો.

ને તમ રાધા રસિયાજી! આ બન ઠન કર અલબેલી,

'ક્હાન! ક્હાન!' કરી કુંજ નિકુંજે - અરે! કથા શી એની?

ગિરિધર! ગોકુલ આવો.

આવો પ્રભુ! ગોપીજનવલ્લભ! એક વાર અહીં આવો,

સ્નેહ બન્યો વેરી કેવો અમ તે જોવા તો આવો,

ગિરિધર! ગોકુલ આવો,

ગિરિધર! ગોકુલ આવો!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસુષમા (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : અનંતરાય રાવળ, ગુલાબદાસ બ્રોકર, અમૃતલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : મનસુખલાલ ઝવેરી સન્માનસમિતિ
  • વર્ષ : 1959