ગીરના નેસમાં રાત
Gir na nes ma raat
યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
એક ચંદ્ર ઝલમલતો ભૂખરાં પર્ણોની જાળીમાં
બીજો ચૂલેથી સીધો ઊતરે પિત્તળની થાળીમાં
શેડકઢાં દૂધની તાંસળીઓ ચડે મુછાળા મોઢે
ગીરની કાળી રાતનું ધીંગું ઢીમ ઢળ્યું છે કોઢે
ફગફગ ઊઠતી ઝાળે જાગે બરછટ બાઘા ચહેરા
વંડા વચ્ચે ધખે તાપણાં ભરે નેસના પહેરા
નજીક હૂકતો સાવજ, કૂંડે રાની જીભ લપકારે
ચીબરી ચીખતી ઊડે, ઝાડવું સ્થિર રહે ધબકારે
જંગલ માથે હાથ ફરે છે અંધકારનો કરડો
મક્કમ મૂંગો વધી રહ્યો જાણે અજગરનો ભરડો
ક્યાંક મરગનું ગળું ટૂંપાયું, ક્યાંક સરપનું સરવું
ઘૂક થઈને પ્રસર્યું મૂંગા પ્રાણોનું પરહરવું
સામે ઢોળે મારણમાં મોં ઘાલી સિંહણ ગાજે
અને બચોળાં વીખે પાસળાં, લિયે બથોડા, બાજે
આંખો મીંચી હવા સૂંઘતું બેઠું સાબરટોળું
સવાર થાતાં ઓછું થાશે આ વાડાનું કોળું
સ્રોત
- પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : યોગેશ વૈદ્ય
- પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
- વર્ષ : 2023
