ગીરમાં પાનખર
Gir ma Pankhar
યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
સૂકું સાગનું પાન ખર્યાનો રવ પ્રસર્યો છે ગીરમાં
જંગલ ધીમું ઝરી રહ્યું છે મૂંગાં કાબર કીરમાં
દૂર દિશામાં ભૂખરો ગાયક અટક્યો એક જ સૂરે
ક્વચિત્ ખાખરો ધૂણી, હવાની બરછટ પીઠ વલૂરે
ખરે મંજરી ફાટી ભોં પર, કણ કીડિયારાં પૂરે
વીખે, બનાવે ધૂળની ઢગલી, એકલ કેડો ઝૂરે
ઉતાવળાં કેસૂડાંની પો ફાટી પડે રુધિરમાં
જંગલ ધીમું ઝરી રહ્યું છે મૂંગાં કાબર કીરમાં.
માથાં કાઢે મૂઢ કરમદો,ખેર ખીજડે કાંટા
ચણોઠડીના ગળતા વેલે ઊઘડ્યા રક્તિમ છાંટા
પાન ખખડતાં છળે મરઘલાં, વાનર થાય ભુરાટાં
કરે લલેડાં રૂખડા રંગો ઘૂંટીઘૂંટીને ઘાટા
છીપર નીચે ભટકે ઝરણાં, વહેવું શોધે નીરમાં
જંગલ ધીમું ઝરી રહ્યું છે મૂંગાં કાબર કીરમાં
સ્રોત
- પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : યોગેશ વૈદ્ય
- પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
- વર્ષ : 2023
