ghughro - Geet | RekhtaGujarati

('કાનુડાને ઘેર્યો વનરાવન ગોપીએ' એવાં ગીતો પરથી નવો રચેલ ઢાળ)

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં

રાત દી' રમે છે રંગીલીના સાથમાં

જાણે રમે વાડીમાં મોર!

બેનીબાના ચિતડાનો ચોર

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.

ઘૂઘરો ઘૂમે છે બેનીબાને હોઠડે

મીઠો મીઠો મોંમાં સંતાય

જાણે હંસ સરવરમાં ના’ય. - ઘૂઘરો.

ઘૂઘરાને વા’લી બેનીબાની આંગળી

જેવાં બા-શું બાપુને વા’લ

જેવાં ભાઈ-ભાભી હેતાળ. - ઘૂઘરો.

ઘૂઘરાને તોડે ફોડે બેની ખીજમાં

તોય ના’ણે અંતરમાં દુઃખ!

જાણે કોઈ જોગી અબધૂત. ઘૂઘરો.

ઘૂઘરાને ચૂસે ચારે પો’ર બેનડી

તોય કો દી' ખૂટ્યાં ખીર!

જાણે માનસરવરનાં નીર. - ઘૂઘરો.

ઘૂઘરામાં ઘેરું ઘેરું શું ગાજતું

ગાજ જેવાં ગેબીલાં ગાન!

ચંદ્ર-સૂર્ય-તારાનાં તાન. - ઘૂઘરો.

ઘૂઘરાને ગમતી ઝીણી ઝીણી ગોઠડી

જાણે જુગજુગના વિજોગ!

આજે માંડ મળિયા છે. જોગ. - ઘૂઘરો.

ઘૂઘરાને મેલ્યો માડીએ આકાશથી

બેનીબાને ધાવણ દેવા!

સ્વર્ગ કેરી વાતો કે’વા. - ઘૂઘરો.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 235)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997